Isaiah 38

1તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.” 2ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી. 3તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.

4પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે, 5“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ. 6હું તને તથા આ નગરને આશૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.

7અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે: 8જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.

9યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:

10મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં
હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે.
11મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ;
હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ.

12મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે.

વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે.
રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.
13સવાર સુધી મેં વિલાપ કર્યો;
સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.

14અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું,

મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.
15હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે;
મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.

16હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું;

તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.
17આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું.
તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે;
કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.

18કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ;

જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.
19જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે.
પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.

20યહોવાહ મારો ઉધ્ધાર કરવાના છે અને અમે

અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.”

21હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.” વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”

22

Copyright information for GujULB